જીવણ જીવને જ્યાં રાખીએ‚ વાગે અનહદ તૂરા રે‚
ઝળહળ જ્યોતું ઝળહળે‚ વરસે નિરમળ નૂરા રે…
જીવણ જીવને જ્યાં રાખીએ…૦
પાંચ તત્વ ને ત્રણ ગુણ છે‚ પચીસ પ્રકૃતિ વિચારી રે‚
મંથન કરી લ્યો મૂળનાં‚ તત્વ લેજો એમાંથી તારી રે…
જીવણ જીવને જ્યાં રાખીએ…
ગંગા જમના ને સરસ્વતી રે‚ તરવેણી ને ઘાટે રે‚
સુખમન સુરતા રાખીએ‚ વળગી રહીએ ઈ વાટે રે…
જીવણ જીવને જ્યાં રાખીએ…
અણી અગર પર એક છે‚ હેરો રમતાં રામા રે‚
નિશ દિન નીરખો નેનમાં‚ સત પુરૂષ ઊભા સામા રે…
જીવણ જીવને જ્યાં રાખીએ…
અધર ઝણકારા હુઈ રિયા‚ કર વિન વાજાં વાગે રે‚
સુરતા ધરીને તમે સાંભળો‚ ધૂન ગગનુંમાં ગાજે રે…
જીવણ જીવને જ્યાં રાખીએ…
એવી નુરત સૂરતની રે સાધના‚ પ્રેમીજન કોક પાવે રે‚
અંધારું ટળે એનાં અંતરનું‚ નૂર એની નજરુંમાં આવે રે…
જીવણ જીવને જ્યાં રાખીએ…
આ રે સંદેશો સતલોકનો રે‚ ભીમદાસે ભેજ્યો રે‚
પત્ર લખ્યો છે રે પ્રેમથી‚ જીવણ ! તમે લગનેથી લેજો રે…
જીવણ જીવને જ્યાં રાખીએ
By Maulik Khara